દેશમાં કોરોના રસીકરણનો 16 જાન્યુઆરીથી પ્રારંભ થશે  

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના રસીકરણને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. દેશભરમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રારંભમાં આ વેક્સિન હેલ્થ વર્કર્સ અને ફ્રંટ લાઇન વર્કર્સને આપવામાં આવશે. પ્રારંભમાં ત્રણ કરોડ લોકોમાં કોરોના રસી આપવામાં આવશે, જે નિઃશુલ્ક હશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને ત્રીજા તબક્કામાં ગંભીર બીમારીઓથી ત્રસ્ત લોકોને આપવામાં આવશે. બીજા અને ત્રીજા તબક્કામાં લગભગ 27 કરોડ લોકોનું રસીકરણ થશે.

મોદીએ તૈયારીઓની માહિતી મેળવવા માટે મીટિંગ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે ઉચ્ચ સ્તરીય  મીટિંગ કરી હતી. તેમણે રસીકરણ માટે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા પણ કરી. આ બેઠકમાં કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને બીજા સિનિયર અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોની સાથે મળીને રસીકરણ તૈયારી કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે (Covin App) પર અત્યાર સુધી 79 લાખ લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે, જેમને પ્રારંભમાં રસી અપાવાની છે.  આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા પછી વિવિધ તહેવારોને કારણે દેશમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થશે.

દેશમાં ઇમર્જન્સી ઉપયોગ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. બંને વેક્સિનને દેશના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે સરકારે ટ્રાંસપોર્ટેશનની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]