નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે ટેસ્ટિંગની સંખ્યા પણ સતત વધતી ગઈ છે. જોકે 130 કરોડની વસતિવાળા દેશમાં અત્યાર સુધી 32 કરોડ ટેસ્ટ્સ કરવામાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના કેસોમાં ઉછાળા દરમ્યાન હવે લોકોને ઘરમાં જ ટેસ્ટિંગની સુવિધા મળવાની છે. હોમ ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ્સનો લીલી ઝંડી મળી ચૂકી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMRએ) એના ઉપયોગથી જોડાયેલી વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે.
કોણે બનાવી છે હોમ ટેસ્ટિંગવાળી કિટ
ઘર પર ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviselfTM) –પેથોકેચ બનાવવામાં આવી છે. એને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સોલ્યુશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગ માટે એક એપ પણ બનાવવામાં આવી છે, જેનાથી એના પ્રયોગનો પ્રકાર જાણી શકાય છે. જોકે ICMRએ એના અંધાધૂંધ ઉપયોગ માટે ચેતવણી પણ ઉચ્ચારી છે.
ICMRએ કહ્યું છે કે ટેસ્ટ કિટની સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવે છે. એના બધા વપરાશકર્તાઓને સલાહ છે કે તેઓ ટેસ્ટ પૂરી કર્યા પછી સ્ટ્રિપમાં આવેલાં પરિણામોનો એક ફોટો મોબાઇલમાં લઈ લે અને એપ પર અપલોડ કરી છે, જેનાથી ફોનમાં મોજૂદ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકત્ર થઈ જશે અને ICMRના કોવિડ-19ના ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. ICMRએ કહ્યું છે કે તેમની પાસે દર્દીઓની માહિતી ગુપ્ત રહેશે.
જો ટેસ્ટ કિટ્સમાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તેમને પોઝિટિવ માનવામાં આવશે અને વારંવાર ટેસ્ટિંગની જરૂર નથી. આ ટેસ્ટ કિટ બનાવનાર કંપની માઇલેબે આની કિંમત નક્કી કરી દીધી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લોન્ચિંગ સમયે લોકોએ રૂ. 250 પ્રતિ કિટ ચૂકવવાના રહેશે. આ ટેસ્ટ કિટ આગામી એક સપ્તાહમાં બજારમાં આવે એવી શક્યતા છે.