નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પ્રધાનો અને સંસદસભ્યોના પગારમાં એક વર્ષ માટે 30 ટકાનો કાપ મૂકાશે. કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. આ સાથે સંસદસભ્યોના ફંડને પણ બે વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સંસદસભ્યોના ફંડને કોરોના સામેના જંગમાં ઉપયોગમાં લેવામાં આવશે. જાવડેકરે જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2020થી આ નિર્ણય લાગુ થશે.
લોકડાઉન ક્યારે હટશે?
લોકડાઉન ક્યારે હટશે? આ સવાલના જવાબમાં જાવડેકરે કહ્યું હતું કે અમે પ્રતિ મિનિટ વિશ્વની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવામાં આવશે.
વટહુમને મંજૂરી
જાવડેકરે કહ્યું હતું કે સંસદસભ્યોના પગારમાં 30 ટકાના કાપના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કેટલાંય રાજ્યોના રાજ્યપાલોએ પણ સ્વૈચ્છાએ પગારમાં 30 ટકા કાપ માટે પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન, પ્રધાનો અને સંસદસભ્યોએ એક વર્ષ માટે પગાર કાપનો આ નિર્ણય જાતે લીધો છે. જોકે તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે સંસદોના ભથ્થાંમાં કાપ મૂકવામાં આવશે કે નહીં.
તેમણે કહ્યું હતું કે સંસદસભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શનથી જોડાયેલા કાનૂન છે, એટલે વટહુકમથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદના આગામી સત્રમાં આ અધ્યાદેશ પર સંસદની મંજૂરી લેવામાં આવશે.
