નવી દિલ્હીઃ ભયાનક ચેપી કોરોનાવાઈરસ મહાબીમારીને કારણે ગઈ 14 જુલાઈ સુધીમાં રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના 56 કર્મચારીઓના જાન ગયા છે. કેન્દ્ર સરકારે આ જાણકારા સંસદમાં આપી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન વી.કે. સિંહે કહ્યું કે એર ઈન્ડિયાના કુલ 3,523 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એમાંના 56 કર્મચારીઓએ જાન ગુમાવ્યા છે.
એર ઈન્ડિયાના કોરોના સંક્રમિત કર્મચારીઓ અને એમના પરિવારજનોનું હિત સંભાળવા માટે સરકારે અનેક નિર્ણયો લીધા છે. એમાંનો એક છે સંક્રમિત કર્મચારીઓને 17-દિવસનો ક્વોરન્ટીન પીરિયડ ફાળવવો. તે ઉપરાંત કોરોનાથી સંક્રમિત કર્મચારીઓ કે એમના પરિવારજનોને યોગ્ય રકમનું વળતર તથા અન્ય આર્થિક લાભની પણ વ્યવસ્થા કરાઈ છે. કંપની દ્વારા કોવિડ-19થી ચેપગ્રસ્ત કર્મચારીઓ કે એમના પરિવારજનોની સારસંભાળ માટે જુદા જુદા સ્થળોએ કોવિડ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. કોરોનાને કારણે કોઈ કાયમી કર્મચારીનું મૃત્યુ થાય તો એના પરિવારને રૂ. 10 લાખ અને રૂ. પાંચ લાખનું વળતર આપવામાં આવે છે. જ્યારે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીનું મૃત્યુ થાય તો એના પરિવારને 90 હજાર રૂપિયા અથવા બે મહિનાનો પગાર વળતર તરીકે આપવામાં આવે છે.
