નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 23,000ને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા તાજા આંકડા મુજબ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 23,077 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1,684 નવા કેસ નોંધાયા છે અને 37 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી અત્યાર સુધી 718 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી 4,749 દર્દીઓ આ બીમારીમાંથી મુક્ત થયા છે.
વિશ્વમાં કોરોના વાઇરસના કુલ 27 લાખને પાર
કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 27,08,508 કેસો નોંધાયા છે. અત્યાર સુધી આ વાઇરસથી 1,90,785 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 7,37,994 લોકો આ બીમારીમાંથી મુક્ત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં ત્રણ રાજ્યો કોરોનામુક્ત
દેશમાંમ કોરોના વાઇરસના સંક્રમણ ફેલાવવાનું જોખમ સતત વધી રહ્યું છે, પણ બીજી બાજુ કેટલાક સારા સામાચાર પણ સામે આવી રહ્યા છે. દેશનાં કુલ 32 રાજ્યોમાંથી ત્રણ રાજ્યો કોરોના વાઇરસમાંથી મુક્ત થયા છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ગોવા રાજ્ય કોરોના વાઇરસથી મુક્ત થયા છે. આ રાજ્યોમાં હવે એક પણ પોઝિટિવ કેસ નથી. વળી, આ રાજ્યોમાંજે કોરોના દર્દીઓ હતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં એવા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેમાં કોરોનાનો એક પણ કેસ નથી થયો, જેમાં નાગાલેન્ડ, સિક્કિમ, દમણ, દીવ, દાદરા-નગરહવેલી અને લક્ષદ્વીપમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નથી નોંધાયો. દેશમાં રાજ્યવાર કોરોના કેસની વિગતો નીચે પ્રમાણે છે.