નવી દિલ્હીઃ દેશના તમામ ભાગોમાં ટ્રેનને ઊંધી વાળવાના કાવતરા સામે આવી રહ્યાં છે. રેલવે ટ્રેક પર ક્યારેક સિલેન્ડર તો ક્યારેક ફિશ પ્લેટ મૂકવાનું ષડયંત્ર બહાર આવી રહ્યાં છે. હવે ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ટ્રેનને પાટા પરથી ઊંધી વાળવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
કાનપુર બાદ લખનૌમાં પણ ટ્રેન ઊથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મલિહાબાદ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર રાખવામાં આવેલ ઝાડની ડાળી બરેલી-વારાણસી એક્સપ્રેસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેનનું એક્સલ કાઉન્ટર તૂટી ગયું હતું. ડ્રાઈવરે ટ્રેન રોકી અને અધિકારીઓને જાણ કરી હતી. જ્યારે રેલવે ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી તો તેમને ટ્રેક પર લાકડાં અને પથ્થરો પડેલા જોવા મળ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે.
રેલવે દ્વારા ષડયંત્રનો આરોપ લગાવીને મલિહાબાદ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સિનિયર સેક્શન એન્જિનિયર અજય કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર મલિહાબાદ સ્ટેશન પાસે બરેલી-વારાણસી એક્સપ્રેસના એન્જિનમાં લાકડું ફસાઈ ગયું હતું.
આ ઘટના સ્થળે તપાસમાં જાણવા મળ્યું હતું કે ટ્રેક પર લાકડાં અને પથ્થરો નાખવામાં આવ્યા હતા. તાજી તૂટેલી એક્સલ કાઉન્ટર પણ ત્યાં પડેલી મળી આવી હતી. આ ગુનાહિત ષડયંત્રમાં મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાના કારણે લાંબા સમય સુધી માર્ગ પર અસર પડી હતી.
આ પહેલાં કાનપુરમાં રેલવે ટ્રેકને તોડી પાડવાના કાવતરાના આવા જ ઘણા કિસ્સા નોંધાયા હતા. તપાસ એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આ પછી બિજનૌરના ઉંચાહરમાં પણ ઘટનાઓ બની. આવી સ્થિતિમાં અધિકારીઓએ રાજધાનીની આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.