ટ્વિટર એકાઉન્ટ અનલોક થતાં કોંગ્રેસે લખ્યું, ‘સત્યમેવ જયતે’

નવી દિલ્હીઃ ટ્વિટરે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું અકાઉન્ટ ફરી અનલોક કર્યું છે. રાહુલે દિલ્હી કેન્ટમાં નવ વર્ષની કિશોરીની સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને તેના પરિવારનો ફોટો શેર કર્યો હતો, જે પછી સોશિયલ મિડિયા કંપની તેમનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું હતું. કોંગ્રેસના અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પણ અનલોક કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલનો ખતરનાક ખેલ ચાલી રહ્યો છે. કોંગ્રેસનાં ખાતાઓને એક સપ્તાહ પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ટ્વિટરે રાહુલ જ નહીં કોંગ્રેસના સત્તાવાર અકાઉન્ટ સહિત આશરે 5000થી વધુ કોંગ્રેસ નેતાઓ, કાર્યર્તાઓ અને ટેકેદારોના એકાઉન્ટ લોક કરી દીધા હતા.

કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર અકાઉન્ટ અનલોક કરવામાં આવ્યું હતું. ટ્વિટરનું કહેવું છે કે દુષ્કર્મપીડિતાના પરિવારનો ફોટો શેર કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે.

રાહુલ ગાંધીએ એ યુટ્યુબ પર નિવેદનમાં કહ્યું હતું કે એ ટ્વિટરનો ખતરનાક ખેલ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે માઇક્રોબ્લોગિંગ સાઇટ નિષ્પક્ષ નથી અને સરકારના ઇશારે કામ કરી રહી છે.

તેમનું ટ્વિટર  એકાઉન્ટ લોક કરવા પર રાહુલે કહ્યું હતું કે એ તેમના લાખ્ખો ફોલોઅર્સનું અપમાન છે અને તેમના વિચારોની અભિવ્યક્તની સ્વતંત્રતાની અવહેલના છે.