નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટઃ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ.
મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલમાં જ સંશોધન કાયદાન વિરુદ્ધમાં સંકલ્પ પસાર કરતાં કેન્દ્રને આગ્રહ કર્યો હતો કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને બિનઅસરકારક બનાવવામાં આવે. કેરળ પહેલું રાજ્ય છે, જેણે આ કાયદાનો વિરોધ નોંધાવતાં અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. કોંગ્રેસ શાસિત છત્તીસગઢ સરકારે પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા કાયદાને અસંવૈધાનિક જણાવતાં અરજી દાખલ કરી હતી. પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને કેરળની પિનારાઇ વિજયનની જેમ કેટલાંક રાઝ્યોના મુખ્ય પ્રધાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાને તેમનાં રાજ્યોમાં લાગુ નહીં કરે.
જોકે સંવૈધાનિકરૂપે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાનો ઇનકાર કરવાનો હક દેશના કોઈ પણ રાજ્ય પાસે નથી.કોંગ્રેસ આ કાયદાનો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ દર્શાવતી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને અબ્દુલ ખાલિક દ્વારા આ કાયદાની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.