નવી દિલ્હીઃ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્રણેય ખરડા લોકસભામાં પસાર થઈ ચૂક્યાં છે. રાજ્ય સભાએ બે ખરડા પાસ કર્યા છે. કૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણેય બિલ જે રીતે પાસ થયાં છે તેને કારણે કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલોની સામે દેખાવો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધપક્ષોએ 25 સપ્ટેમ્બરે ‘ભારત બંધ’નું આહવાન કર્યું છે. કોંગ્રેસે બધા રાજ્યોની પ્રદેશ કોંગ્રેસ કમિટીઓને આદેશ આપ્યો છે કે એ આ મુદ્દાને પંજાબ અને હરિયાણામાં મજબૂતીથી ઉઠાવે.
કૃષિ બિલોને જે રીતે રાજ્યસભામાં પાસ કરાવવામાં આવ્યાં છે, એ પછી કુલ 12 વિરોધ પક્ષોએ રવિવારે રાજ્યસભામાં ઉપસભાપતિની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ, TMC, સપા, TRS, CPI,CPM, DMK, આપ, IEUML અને કેરળ કોંગ્રેસના ઉપસભાપતિની સામે આ અવિશ્વાસ રજૂ કર્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાજ્યસભામાં જે રીતે આ બિલોને રજૂ કરવામાં આવ્યા એની તીખી આલોચના કરતાં કહ્યું હતું કે આ ખેડૂતોનું ડેથ વોરંટ છે. તેમણે કહ્યું હતું કે જે ખેડૂત ધરતી પર સોનું ઉગાડે છે, મોદી સરકારનો ઘમંડ એને લોહીના આંસુ રોવડાવે છે. રાજ્યસભામાં આજે જે રીતે કૃષિ વિધેયકના રૂપે સરકારે ખેડૂતોની સામે મોતનું ફરમાન કાઢ્યું છે, એનાથી લોકતંત્ર શરમ અનુભવે છે. બીજી બાજુ સરકાર સતત આ બિલનું સમર્થન કરી રહી છે અને એનું કહેવું છે કે આ બિલ ખેડૂતોને તેમની ઊપજના મોંમાગી કિંમતે વેચવાની સ્વતંત્રતા છે. તેઓ જ્યાં ઇચ્છે ત્યાં પોતાની ઊપજ વેચી શકે છે.
દેશભરમાં ખેડૂતો આ કૃષિ વિધેયકોનો વિરોધ કરી રહ્યા છે. સૌથી વધુ વિરોધ હરિયાણા અને પંજાબમાં થઈ રહ્યો છે. આ બિલના વિરોધમાં હરિયાણાના ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા છે. બીજી બાજુ, પંજાબમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઈ ગયું છે. ભારતીય કિસાન યુનિયન સહિત 17 કિસાન અને મજદૂર સંગઠનોએ આજે એના વિરોધમાં ચક્કા જામનું એલાન કર્યું છે. જોકે ખેડૂતોના આંદોલનને પહોંચી વળવા માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે. કિસાન આંદોલનને લઈ હરિયાણામાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે.