કોંગ્રેસે ‘અખિલેશ યાદવ’ને અયોધ્યાથી ટિકિટ આપી

લખનઉઃ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બનતી જાય છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની એક યાદી જારી કરી છે. આ યાદીમાં એક નામ એવું છે, જેની ચોરે ને ચૌટે ચર્ચા ચાલી રહી છે. એ નામ છે અખિલેશ યાદવનું. આ યાદીમાં કોંગ્રેસે અયોધ્યા જિલ્લાની બિકાપુર સીટ પર તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસની આ યાદીમાં ત્રીજા તબક્કામાં 72 નંબર સિરિયલ પર બિકાપુર વિધાનસભાના ઉમેદવારનું નામ છે. કોંગ્રેસે બિકાપુર વિધાનસભા બેઠકથી અખિલેશ યાદવ નામના ઉમેદવારને ઉતાર્યા છે.

કોંગ્રેસે UP માટે ત્રીજા લિસ્ટમાં 89 ઉમેદવારોની ઘોષણા કરી છે. આમાં અયોધ્યાની બિકાપુર બેઠકના ઉમેદવારનું નામ અખિલેશ યાદવ છે. UPમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી થવાની છે અને આઠ ફેબ્રુઆરી સુધી નામાંકન થવાનું છે. નામ પરત લેવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી છે. પાંચમા તબક્કાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ થવાની છે.

કોંગ્રેસે અત્યાર સુધી UP માટે ઉમેદવારોની ત્રીજું લિસ્ટ જારી કર્યું છે. UPની પહેલી યાદીમાં 125, બીજી યાદી 41 અને ત્રીજી લિસ્ટમાં 89 ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે. કોંગ્રેસે UPની 403 વિધાનસભાની બેઠકોમાં અત્યાર સુધી 255 બેઠક માટે ઉમેદવારોનાં નામનું એલાન કરી ચૂકી છે. હવે 148 બેઠકો માટે નામ એલાન કરવાનું બાકી છે. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ કુલ બેઠકોમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપ્યાં છે, તેમણે 103 મહિલા ઉમેદવારોને સામેલ કર્યાં છે. પહેલી યાદીમાં 50, બીજીમાં 16 અને ત્રીજી યાદીમાં 37 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.