મુંબઈઃ યૂનેસ્કો અને લંડનસ્થિત વાર્કી ફાઉન્ડેશન વતી આપવામાં આવતું ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ’ આ વખતે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પરિતેવાડી ગામની જિલ્લા પરિષદ સ્તરની પ્રાથમિક શાળાના શિક્ષક રણજીતસિંહ ડિસલેએ જીત્યું છે. આ પુરસ્કાર રૂપે એમને દસ લાખ ડોલર (લગભગ સાત કરોડ રૂપિયા) મળશે. આ એવોર્ડ સાથે ડિસલેને દુનિયાના સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પણ પ્રાપ્ત થયું છે. આ એવોર્ડ જીતનાર ડિસલે ભારતના પહેલા શિક્ષક છે. ગઈ કાલે એમને ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020 તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ડિસલેને ફોન કરીને આ ઈનામ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. 32 વર્ષીય ડિસલેએ મુખ્ય પ્રધાનને જાણ કરી હતી કે પોતે આ સાત કરોડની રકમ શિક્ષક અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ખર્ચ કરશે. ડિસલેએ ફાઈનલ રાઉન્ડમાં દસ પ્રતિસ્પર્ધિઓને હરાવીને આ ઈનામ જીત્યું છે. વાર્કી ફાઉન્ડેશને ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ અસાધારણ શિક્ષકને પુરસ્કૃત કરવા માટે 2014માં આ પુરસ્કારની સ્થાપના કરી હતી.
ડિસલે 2009માં સોલાપુરના પરિતેવાડી ગામની જિલ્લા પરિષદ પ્રાથમિક શાળામાં ગયા હતા ત્યારે ત્યાં શાળાનું મકાન જર્જરિત અવસ્થામાં હતું. એમણે ફેરફાર કરવાનું બીડું ઝડપ્યું હતું અને નક્કી કર્યું કે તેઓ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવશે. એમણે વિદ્યાર્થીઓની માતૃભાષામાં પાઠ્યપુસ્તકોનો અનુવાદ કર્યો એટલું જ નહીં, પણ એમાં વિશિષ્ટ ક્યૂઆર કોડની વ્યવસ્થા પણ કરી જેથી વિદ્યાર્થીઓ ઓડિયો કવિતાઓ, વિડિયો લેક્ચર, વાર્તા તથા ગૃહઉપયોગી કામોની જાણકારી મેળવી શકે. એમની આ મહેનતને કારણે ગામમાં સ્કૂલ ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટી ગયું. બાળકો કિશોરાવસ્થામાં ભણતર છોડતા અટકી ગયા. શાળાઓમાં છોકરીઓની હાજરી 100 ટકાએ પહોંચી.
