ભારતીયોની સાથે રૂ. 700 કરોડ કરતાં વધુની ચાઇનીઝ છેતરપિંડી

હૈદરાબાદઃ શહેર પોલીસે ચીની હેન્ડલર્સથી જોડાયેલા એક કૌભાંડને બહાર પાડ્યું છે. એમાં એક વર્ષથી ઓછા સમયમાં 15,000 ભારતીયોથી રૂ. 700 કરોડથી વધુ છેતરપિંડી કરવામાં આવી છે. શહેર પોલીસે કહ્યું હતું કે આ રકમ દુબઈના રસ્તે ચીન મોકલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ છેતરપિંડીની જોડાયેલા કેટલાક ક્રિપ્ટો વોલેટ વ્યવહારો લેબનાન સ્થિત આતંકવાદી સંગઠન હિજબુલ્લ વોલેટની સાથે પણ લિન્ક મળી છે. આ વોલેટ ટેરર ફાઇનાન્સ મોડ્યુલથી પણ જોડાયેલું છે.

પોલીસના જણાવ્યા મુજબ લોકોને રિવ્યુ કરવાને બહાને કમાણીની લાલચ આપીને છેતરવામાં આવતા હતા. આ મામલે દેશભરમાંથી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ચાર લોકોની હૈદરાબાદમાંથી, ત્રણ લોકોની મુંબઈમાંથી અને બે લોકોની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા ચાઇનીઝ હેન્ડલર્સને ઇશારે કામ કરતા હતા. પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે અમે આ વખતે કેન્દ્રીય એજન્સીઓને સચેત કરી રહ્યા છીએ. ગૃહ મંત્રાલયની સાઇબર યુનિટને વિગતવાર માહિતી આપવામાં આવી છે. પોલીસે આ મામલે છ વધુ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

સાઇબર પોલીસે હૈદરાબાદની એક વ્યક્તિની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. એની તપાસ દરમ્યાન આખો કેસ બહાર આવ્યો હતો. એ વ્યક્તિને ટેલિગ્રામ પર રિવ્યુ કરવા માટે પાર્ટ ટાઇમ જોબ ઓફર થઈ હતી. તેણે વિશ્વાસ કરીને એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યુ હતું. પ્રારંભમાં તેની પાસે રૂ. 1000નું મૂડીરોકાણ કરાવવામાં આવ્યું હતું. એ સાથે એને કામના બદલામાં રૂ. 800નો લાભ થયો. ત્યાર બાદ તે વ્યક્તિએ રૂ. 25,000નું મૂડીરોકાણ કર્યું. એમાં તેને રૂ. 20,000નો નફો કર્યો. જોકે તેને એ રૂપિયા કાઢવાની મંજૂરી નહોતી મળી. ત્યાર બાદ તેને લાલચ આપીને વધુ રૂપિયા મૂડીરોકાણ કરાવવામાં આવ્યા. આ પ્રકારે તે વ્યક્તિ સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થઈ હતી. આ ગેન્ગ આ પ્રકારના લોકોને છેતરતી હતી. છેતરપિંડી કરવા માટે તેને યુટ્યુબ વિડિયો લાઇક કરવો અથવા ગૂગલ પર રિવ્યુ લખવો વગેરે સરળ કામ આપવામાં આવતા હતા.