ચાર-ધામ યાત્રા સલામતીપૂર્વક યોજાશેઃ ઉત્તરાખંડ સરકારની ખાતરી

દેહરાદૂનઃ જોશીમઠમાં જમીન ધસી પડવાની કટોકટી ઊભી થઈ છે ત્યારે ચાર ધામ યાત્રા યોજાવા અંગે ઊભી થયેલી શંકાને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ દૂર કરી દીધી છે. એમણે કહ્યું છે કે આગામી ચાર ધામ યાત્રા સલામતીપૂર્વક યોજવામાં આવશે.

ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી હિન્દુ આસ્થા-સ્થળોનો સમાવેશ થાય છે. હિમાલય પર્વતમાળામાં વસેલા ઉત્તરાખંડ રાજ્યમાં અસંખ્ય હિન્દુ મંદિરો આવેલા હોવીથી અને હિન્દુ શ્રદ્ધાળુઓ વર્ષભર મુલાકાતે આવતાં રહેતાં હોવાથી ઉત્તરાખંડને દેવભૂમિ અથવા ઈશ્વરની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જોશીમઠ નગરને બદ્રીનાથ ધામનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી ત્યાં જમીન ધસી પડવાની, રસ્તાઓ, ખેતરોમાં જમીન ફાટવાની, મકાનો-ઘરોની દીવાલોમાં તિરાડ પડવાની ઘટનાઓ બનતી રહી હોવાથી ગભરાટ ફેલાયો છે.

ધામીએ કહ્યું કે જોશીમઠ વિશે કોઈએ પણ મનમાં શંકા રાખવી નહીં. હું વારંવાર કહી ચૂક્યો છું કે જોશીમઠની 70 ટકા વસ્તીનાં લોકો રાબેતા મુજબ જ જીવન જીવી રહ્યાં છે અને બદ્રીનાથ તથા ઔલી નજીકના રસ્તાઓ સંપૂર્ણપણે ખુલ્લા છે. આ વખતે પણ ચાર ધામ યાત્રા અગાઉની જેમ જ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે યોજવામાં આવશે. યાત્રાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે.