નવી દિલ્હીઃ અહીં જંતરમંતર ખાતે આંદોલન ચલાવી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસના જવાનો વચ્ચે ગઈ કાલે મારમારી થઈ હતી. પહેલવાનોનો દાવો છે કે પોલીસોએ એમને ધક્કા માર્યા હતા અને ગાળો આપી હતી. તેના પ્રત્યાઘાતમાં પોલીસે કહ્યું કે કુસ્તીબાજોના સમર્થકોને આંદોલનના સ્થળે ફોલ્ડિંગ પલંગ લઈ જતા રોકવામાં આવ્યા બાદ સમર્થકો ઉગ્ર બની ગયા હતા. એમને પલંગ આંદોલન સ્થળે લાવવાની પરવાનગી અપાઈ નથી. તેથી એમને રોકવામાં આવ્યા હતા, પણ એમણે ઝઘડો કર્યો હતો.
મારામારીમાં કુસ્તીબાજોના બે સમર્થક ઘાયલ થયા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે એક પોલીસ જવાન દારૂના નશામાં હતો. પોલીસતંત્રએ કહ્યું છે કે તેઓ એ વિશે ફરિયાદ નોંધાવે, તે પછી ઉચિત પગલું ભરવામાં આવશે. સંબંધિત પોલીસ જવાનનું મેડિકલ ચેકઅપ કરાશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે આરોપ મૂક્યો છે કે પોલીસો દારૂ પીને આંદોલન સ્થળે આવ્યા હતા અને તેમણે મહિલા દેખાવકારોને ધક્કા માર્યા હતા અને એને ગાળો આપી હતી. અન્ય મહિલા પહેલવાન સાક્ષી મલિક રડી પડી હતી. એણે કહ્યું કે, વરસાદને લીધે અમને અહીં સૂવામાં તકલીફ પડે છે એટલે અમે પલંગ મગાવ્યા હતા. શું આપણી દીકરીઓ સાથે આવું વર્તન કરવું, એમને ગાળો આપવી ઉચિત છે?