ચંદ્રબાબુ નાયડુ 14 દિવસના રિમાન્ડ પરઃ TDPનું બંધનું એલાન

હૈદરાબાદઃ તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. પાર્ટીએ તેમની ધરપકડની વિરુદ્ધ રાજ્યમાં બંધનું આહવાન કર્યું છે. કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુને CID અને પોલીસે ધરપકડ કરી હતી. TDPએ આંધ્ર પ્રદેશના બંધનું આહવાન કર્યું છે.

ચંદ્રબાબુ નાયડુની નવમી સપ્ટેમ્બરે ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. તેમને વિજયવાડાથી આશરે 200 કિમી દૂર રાજામહેન્દ્રવરમમાં મોકલ્યા હતા. જેલમાં એક સ્પેશિયલ રૂમમાં તેઓ રહેશે. કોર્ટના આદેશ મુજબ તેમને ઘરનું ભોજન આપવામાં આવશે. દવાઓ પણ આપવામાં આવશે.ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશ પિતાની ધરપકડથી ગુસ્સામાં છે. તેમના પર આરોપ છે છે કથિત કૌભાંડથી રાજ્ય સરકારને રૂ. 300 કરોડની આવકનું નુકસાન થયું છે. વિજયવાડાના સરકારી જનરલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. CID ટીમે તેમને કેસને લઈને આશરે 10 કલાક પૂછપરછ કરી હતી.
ચંદ્રાબાબુ નાયડુ 73 વર્ષના છે અને તેમના જીવ પરના જોખમને જોતા કોર્ટે તેમને અલગ રાખવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ જણાવ્યું હતું કે કથિત સ્કિલ ડેવલપમેન્ટ નિગમ કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુ પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા. સવાલોના અસ્પષ્ટ જવાબો આપતાં તેમણે કહ્યું કે તેમને ઘણી વાતો યાદ જ નથી.

લોકશાહીને બચાવવા માટે તેલગુ દેશમ પક્ષના નેતાઓએ સામાન્ય જનતાને સ્વેચ્છાએ બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ એ જગન મોહન રેડ્ડીના માનસીક સ્વભાવનું તાજું ઉદાહરણ હોવાનું TDP નેતા રહી રહ્યાં છે. જગન મોહન રેડ્ડીને જનતા જ પાઠ ભણાવશે એમ પણ તેઓ કહી રહ્યા છે. 10મી સપ્ટેમ્બર એ લોકશાહી માટે કાળો દિવસ હતો એમ TDP નેતા નરેન્દ્ર કુમારે કહ્યું હતું.