નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું છે કે કેન્દ્ર સરકારને આશા છે કે આવતા વર્ષના જુલાઈ સુધીમાં કોવિડ-19 બીમારીને રોકતી રસીના 40-50 કરોડ ડોઝ મળશે અને તે ડોઝથી દેશમાં 20-25 કરોડ લોકોને રસી આપી શકાશે.
ડો. હર્ષવર્ધને આજે એમના સાપ્તાહિક જનસંવાદ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે ભારતીય રસી ઉત્પાદકો પાસેથી કોરોનાની રસી ઉપલબ્ધ થશે અને તે સંપૂર્ણપણે સરકારના ટેકા સાથે લોકોને આપવામાં આવશે.
સરકારને રસીના જે ડોઝ મળશે તે દેશની કુલ 130 કરોડની વસ્તીના આશરે 25 કરોડ લોકોને આપવા માટે પર્યાપ્ત હશે. આ રસી પહેલાં આગળ પડતાં રહીને સેવા બજાવનાર આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓને આપવામાં આવશે, કારણ કે રસીની સૌથી પહેલી જરૂર એમને જ હશે.
આ રસીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ કામ પ્રગતિના પંથે છે. રસીના ડોઝનું ક્રમબદ્ધ રીતે વિતરણ કરવામાં આવશે. એમાં પારદર્શકતા અને જવાબદારી નક્કી કરવા માટે સમગ્ર પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.