નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ક્વોરન્ટાઈન સુવિધાઓ તથા એ સંબંધિત અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ અંતર્ગત દેશના તમામ રાજ્યો માટે રૂ. 11,092 કરોડનું ભંડોળ છૂટું કરવાનો નિર્ણય લીધો છે.
અમિત શાહે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા ગુરુવારે એમની વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાનોને આપેલી ખાતરીને પગલે આ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે આ ભંડોળનો પહેલો હપ્તો રિલીઝ કરી દીધો છે, જેથી રાજ્ય સરકારોને સુવિધાઓ ઊભી કરવા માટે આવશ્યક ધન મળી રહે.
ક્વોરન્ટાઈન સુવિધાઓ, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ વ્યવસ્થાઓ માટે, અતિરિક્ત ટેસ્ટિંગ લેબોરેટરીઝ તૈયાર કરવા માટે, હેલ્થકેર કર્મચારીઓ તેમજ મ્યુનિસિપલ, પોલીસ તથા અગ્નિશામક દળના સત્તાવાળાઓ-કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપેમન્ટ્સ (પીપીઈ) ખરીદવા માટે, સરકારી હોસ્પિટલો માટે થર્મલ સ્કેનર્સ, વેન્ટિલેટર્સ, એર પ્યુરિફાયર્સ ખરીદવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી શકાશે.