નવી દિલ્હી – આશરે એક લાખ સૈનિકોને ઉચ્ચતર લશ્કરી સેવા વેતન આપવાની સશસ્ત્ર દળોએ કરેલી માગણીને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે નકારી કાઢી છે. આ એક લાખ સૈનિકોમાં જુનિયર કમિશન્ડ ઓફિસરોનો પણ સમાવેશ થાય છે.
ભારતીય સેનાનાં સૂત્રોએ કહ્યું છે કે કેન્દ્રીય નાણાં મંત્રાલયના આ નિર્ણયથી સેનામાં નારાજગી અને રોષની લાગણી ફેલાઈ છે.
નારાજ થયેલી ભારતીય સેનાએ કહ્યું છે કે તે સરકારને તેના આ નિર્ણયની સમીક્ષા કરવા જણાવશે.
આશરે એક લાખ સેના જવાનોમાં 87,646 જુનિયર કમિશન્ડ ઓફિસરો છે અને ભારતીય નૌકાદળ અને ભારતીય હવાઈ દળના 25,434 જવાનો છે.
સરકારના વેતન વધારાના ઈનકારથી આ તમામ જવાનોને નિરાશ થવાનો વારો આવ્યો છે.
હાલ મિલિટરી સર્વિસ પે (MSP) બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવે છે. એક કેટેગરી છે, ઓફિસરોની અને બીજી કેટેગરીમાં જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર્સ) અને જવાનો આવે છે.