નવી દિલ્હીઃ ભારતમાં આવનાર બ્રિટનના તમામ નાગરિકો માટે 10-દિવસનો ફરજિયાત ક્વોરન્ટીન અવસ્થામાં રહેવું પડશે. કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર ભારતના નાગરિકો સાથે બ્રિટિશ સરકારે ફરજિયાત ક્વોરન્ટીનના રાખેલા નિયમનો ભારત સરકારે પણ જડબાતોડ જવાબ આપ્યો છે.
ભારત સરકારે નક્કી કર્યું છે કે ચોથી ઓક્ટોબરથી ભારત આવનાર તમામ બ્રિટિશ નાગરિકોએ 10-દિવસ માટે ફરજિયાત આઈસોલેટ થવું પડશે. તે ઉપરાંત RTPCR ટેસ્ટ પણ ભારતની સફર શરૂ કરતા પહેલાં જ કરાવી લેવાની રહેશે અને તેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો પણ ભારતમાં આવ્યા પછી બ્રિટિશ નાગરિકોએ 10 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટને ભારતની વેક્સિન કોવિશીલ્ડને કેટલાક દિવસો સુધી માન્યતાપ્રાપ્ત રસીઓની યાદીની બહાર રાખી હતી. એને કારણે ભારતમાં કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારાઓને પણ બ્રિટન પહોંચ્યા બાદ ત્યાંના નિયમો અનુસાર ક્વોરન્ટીન રહેવું પડ્યું હતું.