પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવા કેન્દ્ર-રાજ્યોએ વાત કરવી જોઈએ: FM

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો છેલ્લા 12 દિવસથી સળંગ વધી છે, જેથી આમ આદમી હેરાન-પરેશાન છે અને વિપક્ષ પણ સરકાર પર નિશાન સાધી રહ્યો છે. આ મામલે નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે આ એક ગંભીર મુદ્દો છે, કેન્દ્ર અને રાજ્યો- બંનેએ વપરાશકર્તાઓ માટે ઉચિત સ્તરે કિંમતોમાં ઘટાડા માટે વાતચીત કરવી જોઈએ.

ઓપીઇસી દેશોએ પણ ક્રૂડનું ઉત્પાદન નીચે આવવાની સંભાવના વ્યક્ત કરી છે, જે ફરીથી ચિંતાનો વિષય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સરકારનું નિયંત્રણ નથી. એને ટેક્નિકલી મુક્ત કરવામાં આવ્યું છે. ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, રિફાઇન કરે છે અને વેચાણ કરે છે.

વિશ્વ બજારમાં ઓઇલની કિંમતોમાં ઉછાળો આવ્યા પછી સ્થાનિક બજારમાં કિંમતો પર અસર પડે છે. ભારત ઓઇલ સંબંધી 85 ટકા જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. અમેરિકામાં વીજ સંકટ પેદા થતાં બ્રેન્ટ ઓઇલની કિંમત 65 ડોલર પ્રતિ ડોલર પાર થઈ હતી. છેલ્લા 12 દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં રિટેલમાં રૂ. 3.63 પ્રતિ લિટરે વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં રૂ 3.84 મોંઘું થયું છે.

પેટ્રોલની કિંમત પહેલાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અને કેટલીક જગ્યાએ રૂ. 100 પ્રતિ લિટરથી વધુ છે.  દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 90.58 અનમે મુંબઈમાં રૂ. 97 થઈ ગયા છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર બંને શહેરોમાં અનુક્રમે રૂ. 80.97 અને રૂ, 88.06 થયા છે.