નવી દિલ્હીઃ છેવટે સરકારે રાષ્ટ્રીય વસતિ ગણતરી કરાવવા માટે કમર કસી છે. દેશમાં વસતિ ગણતરી આગામી વર્ષથી શરૂ થશે. જન ગણતરી 2025માં શરૂ થશે, જે 2026 સુધી ચાલશે. સરકાર ટૂંક સમયમાં વસતિ ગણતરી કાર્યક્રમની ટૂંક સમયમાં ઘોષણા કરશે.
વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થશે. વસ્તી ગણતરી વર્ષ 2025થી શરૂ થશે અને 2026 સુધી ચાલશે. નોંધનીય છે કે, વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે.
દેશમાં વસતિ ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે, તે હવે 2035માં થશે. અત્યાર સુધી વર્ષ 1991, 2001, 2011ની જેમ દાયકાની શરૂઆતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે 2025 પછી આગામી વસતિ ગણતરી 2035, 2045 અને 2055માં થશે. વસતિ ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
ઘણા વિરોધ પક્ષો તરફથી જાતિ આધારિત વસતિ ગણતરીની માગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. વસતિ ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે.
વસતિ ગણતરીનો ઇતિહાસ
દેશમાં પ્રથમ વસતિ ગણતરી વર્ષ 1872માં ગવર્નર-જનરલ લોર્ડ મેયોના શાસનમાં હાથ ધરવામાં આવી હતી. જોકે સ્વતંત્ર ભારતની પ્રથમ વસતિ ગણતરી વર્ષ 1951માં હાથ ધરવામાં આવી હતી. આ પછી ભારતમાં છ વખત વસતિ ગણતરી કરવામાં આવી ચૂકી છે.