પૂર્વ સીએમ હુડ્ડાના ઘર સહિત 30 સ્થળે સીબીઆઈ દરોડા, જમીન કેસમાં કાર્યવાહી

રોહતક– હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘર સહિત 30 સ્થળો પર સીબીઆઈએ દરોડા પાડવામાં આવ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હરિયાણાના રોહતકના ડી-પાર્ક સ્થિત ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસસ્થાન પર સીબીઆઈના દરોડા પડ્યાં છે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા ઘરમાં જ ઉપસ્થિત છે. હુડ્ડા આજે જિંદમાં સભા સંબોધવાના હોવાથી રોહતકમાં રોકાયા હતા. સીબીઆઈની ટીમે 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ આ સમાચારને સમર્થન આપ્યું છે. હુડ્ડાએ દરોડાઓને પોલિટિકલ કિન્નાખોરી ગણાવી પોતે વળતી લડત આપશે તેમ જણાવ્યું હતું.
દિલ્હી-એનસીઆરમાં આ દરોડા કાર્યવાહી ચાલી રહી છે. જમીન વિવાદ સાથે જોડાયેલા કેસને મામલે આ કાર્યવાહી થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષ 2004-2008ની વચ્ચે જમીન ગોટાળા અંગે પ્રાથમિક ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે FIR નોંધાઈ છે. હરિયાણાના માનેસર સ્થિત રૂપિયા 912 એકર જમીન ફાળવણી સાથે આ કેસ જોડાયેલો છે.

બીએસ હુડ્ડાને તાજેતરમાં જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાહત આપી હતી. હુડ્ડાની વિરુદ્ધ ઢીંગરા કમિશને અહેવાલ સોંપ્યો હતો, જેમાં હુડ્ડા પર તેમના શાસનમાં જમીનના ઉપયોગના ગેરકાયદે લાયસન્સ આપવાનો આક્ષેપ હતો. હાઈકોર્ટે કમિશનના અહેવાલને ફગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હુડ્ડાએ ગુરુગ્રામમાં જમીનને લગતા જે લાયસન્સ કથિતપણે ઇશ્યૂ કર્યાં હતાં તેના લાભાર્થીઓમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રોબર્ટ વાડરાનો પણ સમાવેશ થતો હતો.

આ દરોડાઓ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું તે અધિકારીઓએ યાદ રાખવું જોઇએ કે આ સરકાર કાયમી નથી. સામાન્ય ચૂંટણીઓને હવે થોડા અઠવાડિયાઓની વાર છે. અમને ખાતરી છે કે કેન્દ્ર સરકાર દખલ કરી રહી છે, વડાપ્રધાનને પોતાની હાર નજીક દેખાઈ ગઈ છે તેની આ ક્રિયાઓ થઈ રહી છે. જ્યારે નવી સરકાર બેસશે ત્યારે રાજકીય આકાઓના કરવામાં આવેલ હેરાનગતિ ધમકીઓ, ફ્રેમિંગ અને બદનામી કરવા માટે તેમનો જવાબ માગવામાં આવશે અને તેમણે આપવા પડશે