‘મારા-લોકરમાંથી સીબીઆઈને કંઈ મળ્યું નથી’: સિસોદીયાનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આજે કહ્યું છે કે એમના લોકરની તલાશી દરમિયાન સીબીઆઈના તપાસનીશ અધિકારીઓને એમાંથી કંઈ પણ (વાંધાજનક) મળ્યું નથી.

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના ચાર-અધિકારીઓની એક ટૂકડીએ ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં પંજાબ નેશનલ બેન્કની શાખામાં બે કલાક સુધી તલાશી લીધી હતી. એ વખતે સિસોદીયા અને એમના પત્ની હાજર હતાં. તલાશીની કાર્યવાહી પૂરી થઈ ગયા બાદ સિસોદીયાએ પત્રકારોને કહ્યું હતું કે સીબીઆઈ અધિકારીઓએ દબાણ હેઠળ કામ કર્યું હતું. મને એ વાતની ખુશી છે કે તલાશી લીધા બાદ સીબીઆઈએ મને આજે ક્લીન ચિટ આપી છે. એમને મારા લોકર કે નિવાસસ્થાનની તલાશીમાંથી કંઈ પણ (વાંધાજનક) મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતા સિસોદીયા તથા અન્ય 14 વ્યક્તિ તથા કંપનીઓને સીબીઆઈ એજન્સીએ એક એફઆઈઆરમાં આરોપી ગણાવ્યા છે. આ કેસ દિલ્હી સરકારની વર્ષ 2021-22ની આબકારી જકાત નીતિના અમલીકરણમાં આચરવામાં આવેલી ગેરરીતિઓ સંબંધનો છે.