વિપક્ષે 2024 નહીં, 2029ની ચૂંટણી વિશે વિચારવું જોઈએઃ જાવડેકર

થાણેઃ ભાજપના સિનિયર નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે વિરોધ પક્ષોએ વડા પ્રધાન મોદીનું વ્યક્તિત્વ અને દેશના લોકો માટે તેમનાં દ્વારા થઈ રહેલાં કામોને જાણવાં જોઈએ. વિપક્ષે 2024ની લોકસભાની ચૂંટણીની ચિંતા કરવાને બદલે 2029ની ચૂંટણી વિશે વિચારવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

 તેમણે કહ્યું હતું કે 2014માં મોદી વડા પ્રધાન બન્યા પછી દેશનો માહોલ સકારાત્મક રીતે બદલાયો છે. દેશને એવા વડા પ્રધાન મળ્યા છે, જે કંઈક અલગ વિચાર તથા કાર્યક્રમોની સાથે આવ્યા હોય. તેમણે લોકોની સાથે સંવાદ સાધ્યો છે અને વહીવટમાં પારદર્શિતા લઈને આવ્યા છે.

થાણે શહેરમાં ભાજપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાવડેકરે જાહેર જીવનનાં મોદીનાં 20 વર્ષ –માં મુખ્ય પ્રધાન તરીકે 12 વર્ષ અને વડા પ્રધાન તરીકેનાં આઠ વર્ષ વિશેના પુસ્તકનું વિમોચન કરતાં તેમણે ઉપર મુજબ વાત કહી હતી. ભાજપને વારંવાર ચૂંટણીમાં સફળતા મળે છે, કેમ કે લોકો મોદીનાં કામને પસંદ કરી રહ્યા છે. મોદી છેલ્લાં 20 વર્ષથી એક પણ વખત બીમાર પડ્યા વગર અવિરત કામ કરી રહ્યાં છે. મોદી દ્વારા વિવિધ કાર્યક્રમો, કામગીરી અને યોજનાઓ સતત ચલાવવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને હર ઘર તિરંગા કેમ્પેન સફળતાપૂર્વક ચલાવ્યું હતું. 2014માં જે LED બલ્બ રૂ. 200માં મળતો હતો, એ બલ્બ હાલ પણ રૂ. 70માં મળી રહ્યો છે. મોદીની લોકપ્રિયતાને કારણે પક્ષના હાલ 11 કરોડ સભ્યો છે. જે વિશ્વ કોઈ પણ રાજકીય પક્ષ તરીકે એક રેકોર્ડ છે.