નવી દિલ્હી – તબીબી કારણસર વિદેશ પ્રવાસે જવાની રોબર્ટ વાડ્રાની અરજીનો અત્રેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે સ્વીકાર કર્યો છે.
આ ઓર્ડર આજે સીબીઆઈ જજ અરવિંદ કુમારે આપ્યો હતો.
કોર્ટના આદેશ મુજબ, વાર્ડા છ અઠવાડિયા માટે વિદેશ પ્રવાસે જઈ શકશે.
કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના બનેવી નેધરલેન્ડ્સ અને અમેરિકા જવા માગે છે.
કોર્ટે જોકે વાડ્રાને આદેશ આપ્યો છે કે તેઓ એમનો પ્રવાસ કાર્યક્રમ તથા તેઓ જે દેશમાં જવાના છે ત્યાં એમના રહેવાની વ્યવસ્થાની વિગતોનો રિપોર્ટ કોર્ટને સુપરત કરે. તેમજ ભારતમાંથી રવાના થતા પહેલાં રૂ. 25 લાખની બેન્ક ગેરન્ટી અથવા FDR રજૂ કરે.
કોર્ટે વાડ્રાને બીજો એ આદેશ આપ્યો છે કે તેઓ ભારત પાછા ફરે કે 24 કલાકની અંદર કોર્ટને જાણ કરી દેવી. એ સાથે જ 72 કલાકની અંદર એમણે એમની સામેના કેસની કાર્યવાહીની તપાસમાં સામેલ થઈ જવું.
વધુમાં, કોર્ટે વાડ્રાને એવો પણ આદેશ આપ્યો છે કે એમણે પુરાવા સાથે કોઈ પ્રકારના ચેડાં કરવા નહીં કે કેસમાં ભોગ બનેલી એક પણ વ્યક્તિ પર કોઈ પ્રકારનું દબાણ કરવું નહીં.
વાડ્રા સામે મની લોન્ડરિંગના આરોપને લગતા એક કેસમાં તપાસ ચાલી રહી છે. આ કેસ લંડનમાં એમણે કથિતપણે ખરીદેલી 19 લાખ પાઉન્ડની કિંમતની એક પ્રોપર્ટીને લગતો છે.
આ કેસમાં કોર્ટે વાડ્રાને આગોતરા જામીન મંજૂર કર્યા છે, પણ એમને આદેશ આપ્યો છે કે કોર્ટની પરવાનગી વગર એમણે ભારત છોડીને જવું નહીં. તેથી વાડ્રાએ તબીબી સારવાર માટે લંડન, અમેરિકા અને નેધરલેન્ડ્સ જવા માટે કોર્ટને અરજી કરી હતી.
કોર્ટને એવી જાણકારી આપવામાં આવી છે કે વાડ્રાને મોટા આંતરડામાં નાનકડી ગાંઠ થઈ છે, જે માટે એ તબીબી નિષ્ણાતોનો બીજો મત મેળવવા માટે વિદેશ જવા માગે છે.