પ્રચંડ ગરમીમાં શેકાયો દેશ, વિશ્વના સૌથી ગરમ 15 શહેરમાંથી 8 ભારતના

નવી દિલ્હી- ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. રાજ્સ્થાનના ચેરુમાં તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ભીષણ ગરમીનો સામેનો કરી રહેલા દેશવાસીઓને હજુ આગામી દિવસો સુધી લૂમાંથી રાહત મળવાની આશા નથી. રાજસ્થાનના અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસો સુધી ગરમી યથાવત રહેશે. જોકે, મુંબઈ, બેંગ્લુરુ અને કોલકાત્તામાં થયેલા સમાન્ય વરસાદને પગલે ત્યાંના લોકોને થોડી રાહત મળી છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં સુરજનો તાપનો પ્રકોપ યથાવત રહ્યો છે. ચોમાસામાં વિલંબને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે સ્થિતિ એવી છે કે, વિશ્વના મુખ્ય 15 સૌથી ગરણ શહેરોમાંથી 8 શહેર ભારતના છે.

હવામાન વિભાગના ઉત્તરી વિસ્તારના પ્રમુખ વૈજ્ઞાનિક ડો. શ્રીવાસ્તવે કહ્યું કે, ઉત્તર ભારતીય વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી આવતી પશ્ચિમી હવાઓએ ગરમીનો પ્રકોપ વધારો કર્યો છે જેની અસર લુ અને ભીષણ ગરમીના સ્વરૂપે આ દિવસોમાં જોવા મળી રહી છે. હાલમાં ભારતીય ઉપમહાદ્વિપના સમગ્ર ઉત્તરી વિસ્તારમાં વરસાદનો પૂર્ણ અભાવ છે, સુર્યના સીધા કિરણો ધરતી પર પડી રહ્યાં છે અને પશ્ચિમી હવાઓને કારણે આ વિસ્તાર આગમાં શેકાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત, અને તેની સાથે જોડાયેલા દ્વીપકલ્પમાં જોરદાર લુ નો અહેસાસ થશે.

 

વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેર

હવામાન વેબસાઈટ અલ ડોરાડોના રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી 15 ગરમ શહેરોમાં ભારતના 8 શહેરનો સામાવેશ થયો છે. વેબસાઈટ અનુસાર 3 જૂને રાજસ્થાનના ચેરુ (48.9), ગંગાનગર (48.6), જોધપુરના ફલોદી (48.2), બિકાનેર (48.1), જેસલમેર (47.8), નૌગાંવ (47.7), નારનૌલ (47.6) અને ખજૂરાહો (47.5) સૌથી ગરમ શહેરો રહ્યાં.

દેશના 7 શહેરોનો પારો 45 ડ્રિગ્રીને પાર

હવામાન વિભાગ અનુસાર 2 જૂને બિકાનેર 48.4, જયપુર 45, જેસલમેર 46.4, ગ્વાલિયર 45, અકોલા 45.4, અને ગંગાનગર 47 ડિગ્રી સાથે દેશના સૌથી ગરમ શહેરો રહ્યા હતાં.

4થી6 જૂન વચ્ચે દિલ્હી-એનસીઆરમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીવાસીઓને આજે પણ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. શહેરનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 4થી6 જૂનની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડે તેવી શક્યતા છે. રવિવારે સફદરગંજમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ડો. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં બંગાળની ખાડીમાંથી પૂર્વીય હવાઓની શરુઆત થઈ ગઈ છે. આ હવાઓ ચોમાસાની સાથે ભેજ લાવે છે. હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના આસપાસના વિસ્તારોમાં આની અસર બે દિવસ પછી જોવા મળશે. જેથી તાપમાનમાં 4 ડિગ્રી જેવા ઘટાડો આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 જૂને ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. જો કે, શરુઆતના 10 દિવસોમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો રહી શકે છે. આ વર્ષે કેરળમાં વરસાદ મોડેથી શરુ થવાનો અંદાજ છે, જેની અસર સમગ્ર દેશ પર પડશે. વર્ષ 1954 પછી પ્રથમ વખત આ વર્ષે ચોમાસા પહેલાનો વરસાદ પણ સૌથી ઓછો 99 મિલીમીટર થયો છે. અનુમાન મુજબ 10 જૂન પછી ચોમાસુ જોર પકડી શકે છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર છેલ્લા 65 વર્ષમાં આ પ્રથમ વખત એવું બન્યું છે કે, જેમાં પ્રી-મોનસુન દુકાળની સ્થિતિ પેદા થઈ છે. 1954 પછી એવુ બીજી વખત થયું છે કે, જેમાં પ્રી-મોનસુનમાં આટલો ઓછો વરસાદ પડયો હોય, એ સમયે દેશમાં 93.9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ વર્ષ 2009માં માર્ચ,એપ્રિલ અને મે મહિના દરમિયાન 99 મિલીમીટર વરસાદ થયો હતો. 2012માં આ આંકડો 90.5 મિલીમીટરનો હતો અને હવે 2019માં 99 મિલીમીટર વરસાદ થયો છે.