ઉમા ભારતીએ શરાબના સ્ટોરમાં તોડફોડ કરી

ભોપાલઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મધ્ય પ્રદેશમાં ભાજપનાં નેતા ઉમા ભારતીએ ગઈ કાલે ભોપાલના બારખેડા પઠણી વિસ્તારમાં શરાબ વેચતા એક સ્ટોરમાં જઈને પથ્થર ફેંક્યો હતો. ઉમા ભારતી સ્ટોરની અંદર ગયાં હતાં અને આલ્કોહોલની બાટલીઓ પર એક પથ્થર ફેંક્યો હતો. એમણે એવો દાવો કર્યો છે કે આ સ્ટોર મોહલ્લામાં મહિલાઓ માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યો છે.

મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતીએ એમનાં ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, ભોપાલના આઝાદ નગર વિસ્તારમાં મજૂરોની વસ્તીવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શરાબની અનેક દુકાનો છે જે લોકોને શરાબ વેચે છે. મજૂરોની બધી આવક શરાબ પાછળ ખર્ચાઈ જાય છે. મહિલાઓ સહિત રહેવાસીઓએ આ દુકાનો સામે વિરોધ કર્યો હતો. આ દુકાનો સરકારી નિયમોની વિરુદ્ધમાં ખોલવામાં આવી છે. આ દુકાનોને બંધ કરવાની વારંવાર ખાતરી અપાઈ છે, પરંતુ વર્ષો સુધી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. મેં સિવિલ સત્તાવાળાઓને કહ્યું છે કે તેઓ એક અઠવાડિયામાં આ દુકાનોને બંધ કરાવે.