કેનેડામાં રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં મરણ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેર નજીક ગયા શનિવારે વહેલી સવારે થયેલા એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં કરુણ મરણ નિપજ્યાં હતાં. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તે અકસ્માત હાઈવે-401 પર બેલવીલ અને ટ્રેન્ટન વચ્ચે થયો હતો. એક ટ્રેક્ટર-ટ્રેલર અને પેસેન્જર વેન સામસામી અથડાઈ હતી. ભારતીય વિદ્યાર્થીઓ તે વેનમાં સફર કરતા હતા અને એ પાંચેયનું ઘટનાસ્થળે મરણ નિપજ્યું હતું. એમની સાથે રહેલા અન્ય બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રેલરના ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી.

ફાઈલ તસવીર

વિદ્યાર્થીઓના નામ છેઃ જસપિન્દર સિંહ (21), કરણપાલ સિંહ (22), મોહિત ચૌહાણ (23), પવન કુમાર (23) અને હરપ્રીત સિંહ (24). આ તમામ વિદ્યાર્થીઓ મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરન્ટો વિસ્તારની શાળાઓમાં ભણતા હતા. પોલીસે ઘટનામાં તપાસ શરૂ કરી છે. ભારતીય હાઈકમિશનરે પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ પણ દુઃખ અને દિલસોજી વ્યક્ત કર્યા છે.