ગો ફર્સ્ટ એરલાઈને વિમાનસેવા સસ્પેન્શન 26 મે સુધી લંબાવ્યું

મુંબઈઃ કટોકટીમાં સપડાયેલી ગો ફર્સ્ટ એરલાઈને તેની ફ્લાઈટ્સનું સ્થગિતપણું 26 મે સુધી લંબાવ્યું છે. આ માટે તેણે સંચાલનને લગતા કારણો દર્શાવ્યા છે અને એવી આશા વ્યક્ત કરી છે કે તે ટૂંક સમયમાં જ બુકિંગ ફરી શરૂ કરવા સમર્થ બનશે. એરલાઈને ટ્વીટમાં એમ પણ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ પેમેન્ટના મૂળ માધ્યમમાં ફૂલ રીફંડ ઈશ્યૂ કરવામાં આવશે.

ગો ફર્સ્ટ હાલ નાદારીને લગતી કાર્યવાહી હેઠળ છે. તેણે ગઈ 3 મેથી તેની વિમાન સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. વધુમાં, દેશના એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ દ્વારા એને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી પોતાનો નવો આદેશ ન મળે ત્યાં સુધી એરલાઈને ટિકિટોનું બુકિંગ બંધ રાખવું.