પંજાબ વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર

ચંદીગઢઃ પંજાબમાં સત્તારુઢ પાર્ટી કોંગ્રેસે સીએએ વિરુદ્ધ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કર્યો છે. મંત્રી બ્રહ્મ મોહિન્દ્રાએ બે દિવસીય વિધાનસભા સત્રના બીજા દિવસે આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો. મોહિન્દ્રાએ આ પ્રસ્તાવને વાંચતા કહ્યું કે, સંસદ દ્વારા પારિત કરવામાં આવેલા સીએએથી દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા અને આનાથી લોકોમાં ખૂબ ગુસ્સો છે અને સામાજિક અશાંતિ પેદા થઈ છે.

આ કાયદા વિરુદ્ધ પંજાબમાં પણ વિરોધ પ્રદર્શન થયું કે જે શાંતિપૂર્ણ હતું અને આમાં સમાજના તમામ વર્ગના લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેરળ સરકાર પણ આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવી ચૂકી છે. આ સાથે જ કેરળ સરકારે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો પણ છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની શક્યતા મામલે ના નહોતી પાડી એટલે લગભગ અણસાર આવી જ ગયો હતો કે નાગરિકતા કાયદા વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પારિત થઈ શકે છે. આ મામલે સિંહે કહ્યું હતું કે, આવતીકાલ સુધી રાહ જોવો. રાજ્યની કોંગ્રેસ સરકારે મંગળવારના રોજ કહ્યું હતું કે તેઓ સીએએ, એનઆરસી અને એનપીઆરના મુદ્દે સદનની ભાવના અનુસાર આગળ વધશે.