જયપુરઃ રાજસ્થાનની ગહેલોત સરકારે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. મુખ્ય પ્રધાન ગહેલોતે હાલમાં રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી હતી. હવે રાજ્ય સરકારે એક મોટું એલાન કર્યું છે. સામાજિક સમરસતા અને એકતા વધારવાના ઉદ્દેશથી સરકારે આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન રકમને બે ગણી કરી છે.
સરકારે ઇન્ટર કાસ્ટ મેરેજની પ્રોત્સાહન રકમને વધારીને હવે રૂ. 10 લાખ કરવાનું એલાન કર્યું છે. આ પહેલાં રૂ. પાંચ લાખ આપવામાં આવતા હતા. હવે આંતરજાતીય યુગલને રૂ. 10 લાખ આપવામાં આવશે. સરકારે કહ્યું હતું કે આનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે. સમાજમાં એકતા અને ભાઇચારો વધશે. સરકારે હાલમાં વિધાનસભામાં રજૂ કરેલા બજેટ 2023-24માં આ રકમ વધારવાનું એલાન કર્યું હતું. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે હવે એનું નોટિફિકેશન જારી કરી દીધું છે.
સરકારની આ શરતો થશે લાગુ
ડોક્ટર સવિતાબહેન આમ્બેડકર આંતરજાતીય સંશોધિત વિવાહ યોજના હેઠળ લગ્ન કરનાર કપલ ઇન્ટર કાર્ય જ હોવું જોઈએ. એ કપલને લગ્ન કરવા પર રૂ. 10 લાખ આપવામાં આવશે. એમાંથી રૂ. પાંચ લાખ આઠ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવામાં આવશે, જ્યારે બચેલા રૂ. પાંચ લાખ કપલને જોઇન્ટ બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જોકે ફિક્સ્ડ ડિપોઝિટવાળા નાણાંના આઠ વર્ષથી પહેલાં કાઢી નહીં શકાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 2006માં આ યોજના હેઠળ રૂ. 50,000 આપવામાં આવતા હતા, ત્યાર બાદ એપ્રિલ, 2013માં એને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પૈસા આપે છે, એમાં રાજ્ય સરકાર 75 ટકા અને 25 ટકા કેન્દ્ર સરકાર યોગદાન આપે છે.