નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો ગણતંત્ર દિવસ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેવા અને મંદીથી પ્રભાવિત બંને મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારિક સંબંધોને વધારવા આજે ચાર દિવસીય યાત્રા પર ભારત આવશે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી બોલસોનારોની આ પ્રથમ ભારત યાત્રા રહેશે. તેમની સાથે સાત મંત્રી, ટોચના અધિકારીઓ અને એક મોટું વેપારિક પ્રતિનિધિમંડળ પણ આવશે.
વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો 24 થી 27 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. તે 26 જાન્યુઆરીએ ભારતના 71માં ગણતંત્ર દિવસ પરેડમાં વિશેષ અતિથિ રહેશે. મંત્રાલયે કહ્યું છે કે આ યાત્રાથી ભારત-બ્રાઝિલના સંબંધો વધારે ગાઢ અને મજબૂત થવાની આશા છે. પૂર્વ સેના પ્રમુખ બોલસોનારોએ ઓક્ટોબર 2018માં ચૂંટણીમાં મોટી જીત મેળવી ગત વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું.