નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ હેટ્રિક લગાવશે, જે એક રેકોર્ડ છે, કેમ કે હરિયાણામાં ક્યારેય કોઈ પાર્ટી સતત ત્રીજી વાર ચૂંટણી નથી જીતી. રાજ્યના ઇતિહાસમાં ભાજપનો આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. ભાજપે આ પહેલાં ક્યારેય 50નો આંકડો ટચ નથી કર્યો.
રાજ્યમાં ભાજપની હેટ્રિકનું એક કારણ CM બદલવાની ફોર્મ્યુલા માનવામાં આવે છે. આ વર્ષના માર્ચમાં ભાજપે મનોહરલાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને CM બનાવ્યા હતા. મનોહરલાલ ખટ્ઠર પંજાબી હતા, જ્યારે નાયબ સિંહ સૈની OBC સમાજમાંથી આવે છે. ખટ્ટરને દૂર કરીને સૈનીને CM બનાવવામાં આવ્યા એ નિર્ણય ભાજપ માટે લાભદાયક રહ્યું છે, કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ ભાજપની વિદાય અને કોંગ્રેસની વાપસીનો અંદાજ લગાડી રહ્યા હતા, પરંતુ હવે જે વલણો અને પરિણામો આવી રહ્યાં છે, એમાં લગભગ સાફ છે કે ભાજપ 2014 અને 2019થી પણ મોટી જીત હાંસલ કરશે.
હરિયાણાના રાજકારણમાં જાટ મહત્ત્વનું પાસું માનવામાં આવે છે. ખેડૂત આંદોલન અને પહેલવાનોના આંદોલનને કારણે જાત મતદારો ભાજપથી નારાજ છે, એમ માનવામાં આવતું હતું. આ સિવાય ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના દમ પર કોંગ્રેસને વધુ જાટ મતો મળવાની વકી હતી. આવામાં ભાજપે OBC મતોને સાધવાના પ્રયાસ કર્યા હતા.
અંદાજ છે કે હરિયાણામાં 40 ટકા OBC, 25 ટકા જાટ, 20 ટકા દલિત, પાંચ ટકા શીખ અને સાત ટકા મુસ્લિમ છે. હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને જાટોની નારાજગી વહોરવી પડી હતી.
વર્ષ 2021 પછી ભાજપે અનેક રાજ્યોમાં ચૂંટણીથી પહેલાં CM બદલ્યા છે. એવું કરીને ભાજપે એન્ટિ-ઇન્કમબન્સીને દૂર કરી છે. હરિયાણા પાંચમું રાજ્ય છે. ભાજપની આ ફોર્મ્યુલા કર્ણાટક છોડીને બાકી બધી જગ્યાએ હિટ રહી છે.