વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં મોકલવા ઇચ્છતો ભાજપઃ મમતા બેનરજી

કોલકાતાઃ દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને EDએ સમન્સ મોકલવાના મામલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ દરમ્યાન એપલના હેકિંગને લઈને મોકવામાં આવેલા એલર્ટ અને મનરેગાનાં બાકી લેણાંનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. બધાને નોટિસ મોકલવામાં આવી છે. પાંચ-છ સાંસદ કહી રહ્યા છે કે તેમના ફોન હેક થયા છે. આવામાં બહારના લોકો આપણા દેશ વિશે શું વિચારશે? દેશને આપણે ક્યારેય નાનો ના કહી શકીએ.

તેમણે કહ્યું હતું કે ભાજપની યોજના 2024ની ચૂંટણી પહેલાં બધા વિરોધ પક્ષોના નેતાઓની ધરપકડ કરવાની છે. તો ખાલી દેશમાં પોતાના માટે મત ઇચ્છે છે. જો 16 નવેમ્બર સુધી મનરેગાનાં બાકી લેણાં નહીં ચૂકવવામાં આવે તો અમે આગામી પગલાની જાહેરાત કરીશું.

વાસ્તવમાં EDએ કેજરીવાલને પૂછપરછ માટે બીજી નવેમ્બરે બોલાવ્યા છે. જ્યારે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, TMC સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સહિત અનેક નેતાઓએ એપલના એલર્ટ મેસેજનો હવાલો આપતાં કહ્યું હતું કે સરકાર તેમની હેકિંગ કરાવી રહી છે. જોકે IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બધા આરોપો બેબુનિયાદ છે. આ કેસની તપાસ થશે.

આમ આદમી પાર્ટી સતત એવો દાવો કરી રહી છે કે ED અરવિંદ કેજરીવાલની ધરપકડ કરે એવી શક્યતા છે.