ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન

બેંગલુરુ – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.

હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.

હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.

ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે.

બેંગલુરુમાં એક જાહેર કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે કથિત નેતાઓમાંના એકેય જણે પોલીસની લાઠીનો માર ખાધો નહોતો. એ આઝાદીની સાચી લડાઈ નહોતી. એ તો પરસ્પર સહમતિથી રચાયેલું એક નાટક હતું.

હેગડેએ ત્યાં ન અટકતાં વધુમાં એમ કહ્યું હતું કે ગાંધીજીના ઉપવાસનું આંદોલન પણ એક નાટક હતું. કોંગ્રેસના સમર્થકો કહે છે કે ગાંધીજીએ આમરણ ઉપવાસ અને સત્યાગ્રહ કરીને ભારતને આઝાદી અપાવી હતી, પણ એ સાચું નથી. અંગ્રેજોએ કંઈ ગાંધીજીના સત્યાગ્રહને કારણે દેશ છોડ્યો નહોતો. એ લોકો નિરાશ થઈને દેશ છોડી ગયા હતા. એવા લોકો આપણા દેશના મહાત્મા બની ગયા.