નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની બધી 90 સીટોના રુઝાન આવી ચૂક્યા છે. હરિયાણામાં ઊલટફેરની વચ્ચે ફરી એક વાર ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન આગળ છે. ભાજપ અને PDP પાછળ ચાલી રહી છે.
હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે એ સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થશે. જોકે એક્ઝિટ પોલના અનુમાનથી ઉત્સાહિત વિરોધ પક્ષ કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં વાપસીની અપેક્ષા કરી રહી હતી. જોકે હરિયાણામાં ભાજપ 50 સીટો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 46 સીટો છે, જ્યારે કોંગ્રેસ 34 સીટો પર આગળ ચાલી રહી છે.
જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. PDPને ભારે નુકસાન થઈ રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. PDP 5 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.
