નવી દિલ્હીઃ ભલે, ભાજપની પાસે દક્ષિણી રાજ્યોથી લોકસભામાં માત્ર 29 સભ્યો છે, પણ પૂર્વોત્તર રાજ્યોમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં સારા દેખાવ પછી એની નજર દક્ષિણી રાજ્યોની 129 સંસદીય સીટમાં વધુને વધુ જીતવા પર ટકી છે. હાલમાં થયેલી ચૂંટણીમાં પૂર્વોત્તરમાં મળેલી શાનદાર સફળતા અને કેટલાંક દક્ષિણી રાજ્યોમાં 2019 અને 2024ની વચ્ચે રાજકીય પરિદ્રષ્યમાં પરિવર્તન માટે ભાજપ ઉત્સાહિત છે તથા સતત ત્રીજી વાર કેન્દ્રની સત્તા પર આરૂઢ થવા છે. ભાજપની નજર દક્ષિણના મતો પર છે. ભાજપ શાસિત કર્ણાટક અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) શાસિત તેલંગાણામાં આ વર્ષે અંતમાં જે વિધાનસભાની ચૂંટણી થશે, એનાથી એનો સંકેત મળી જશે કે દક્ષિણમાં કમળ ખીલવા માહોલ અનુકૂળ છે કે નહીં.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં પાર્ટીના વિજયી થવાનો વિશ્વાસ પ્રગટ કર્યો છે. જ્યાં ભાજપનો એક સાંસદ અને એક વિધાનસભ્ય છે. પાર્ટી તેલંગાણામાં ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ માટે એક પડકાર બનીને ઊભરી છે.
વળી, હાલમાં તે બે-ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થઈ અને એણે 2020ના હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. એ પહેલાં 2024ની ચૂંટણીમાં શક્તિશાળી BRSને ટક્કર આપવા પાર્ટીનું મનોબળ વધ્યું છે. સંયોગથી રાવ કેન્દ્રની ભાજપ સરકારને 2014માં દૂર કરવાના પ્રયાસોમાં લાગેલા છે.
ભાજપે 2019માં કર્ણાટકમાં 28માંથી 25 લોકસભા સીટ જીતી હતી અને માંડ્યામાં એના સમર્થિત અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. તેલંગાણાથી ચાર સાંસદ ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા, પણ તામિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાંથી ભાજપનો એક પણ પ્રતિનિધિ નથી.