નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આવતી 18-22 સપ્ટેમ્બરે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. તેમાં હાજર રહેવાનો પોતાના તમામ સંસદસભ્યો જોગ વ્હીપ શાસક ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડ્યો છે. ભાજપે તેના સાંસદો માટે માત્ર એક લાઈનનો આદેશ બહાર પાડ્યો છે. એવી અટકળો છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર આ વિશેષ સત્રમાં ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રથા અમલમાં લાવવા અને દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત કરવા જેવા મહત્ત્વના વિષયો લાવવા માગે છે એટલે તેણે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે.
(તસવીર સૌજન્યઃ twitter.com/ Pralhad Joshi)
કેન્દ્ર સરકાર વિશેષ સત્રમાં થનાર ચર્ચા માટેના મુદ્દાઓની જાહેરાત કરે તે વિશે સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર દ્વારા માગણી કર્યા બાદ સરકારે એજન્ડા રિલીઝ કર્યો છે. ચાર ખરડા પાસ કરવા સંબંધિત સંસદીય બાબતોના 75 વર્ષ જૂના ઈતિહાસ વિશે સત્રમાં ચર્ચા કરાશે.
જે ચાર ખરડાને પાસ કરવા અંગે ચર્ચા કરાશે તે આ છેઃ વડા ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાને લગતી શરતો અને મુદત) ખરડો, પોસ્ટ ઓફિસ ખરડો, એડવોકેટ્સ (સુધારિત) ખરડો અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ ખરડો. સંસદીય બાબતોના કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આ કાર્યક્રમ કામચલાઉ છે અને એમાં ફેરફાર થઈ શકે છે. જોશીએ આ વિશેષ સત્ર દરમિયાન સંસદમાં ફળદાયી ચર્ચા કરવા માટે હાજર રહેવાનું તમામ સંબંધિત નેતાઓને આમંત્રણ આપ્યું છે.