‘કોવેક્સિન’ પણ રાજ્ય સરકારોને સસ્તા ભાવે અપાશે

હૈદરાબાદઃ અત્રેની ભારત બાયોટેક કંપનીએ રાજ્ય સરકારોને આપવા માટેની પોતાની કોરોના-પ્રતિરોધક રસી ‘કોવેક્સિન’ની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારોને ‘કોવેક્સિન’ રસી પ્રતિ ડોઝ રૂ.600ને બદલે રૂ.400માં આપવામાં આવશે. દેશમાં જાહેર આરોગ્ય સેવા પર હાલ ઊભા થયેલા અનેક પડકારોને ધ્યાનમાં લઈને કંપનીએ પોતાની રસીની કિંમતમાં આ ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. ‘કોવેક્સિન’ રસી ખાનગી હોસ્પિટલોને પ્રતિ ડોઝ રૂ.1,200ના ભાવે ઉપલબ્ધ કરાશે. નિકાસ માટે આ રસીની કિંમત પ્રતિ ડોઝ 15-20 અમેરિકી ડોલર રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં નાગરિકોને આપવા માટે અન્ય જે કોવિશીલ્ડ રસીને મંજૂરી આપવામાં આવી છે તેની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ પોતાની આ રસીની કિંમતમાં ગઈ કાલે ઘટાડાની જાહેરાત કરી હતી. તે રાજ્ય સરકારોને પોતાની આ રસી પ્રતિ ડોઝ રૂ.400ને બદલે રૂ.300માં આપશે.