નવી દિલ્હીઃ ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનની બેટરી બોક્સમાં આગ લાગી હતી. આગ લાગ્યાના સપ્તાહ પછી રેલવે બોર્ડના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીએ આ શ્રેણીની અત્યાધુનિક ટ્રેનોમાં યાત્રીઓની સુરક્ષાથી જોડાયેલી ચિંતાઓને દૂર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઝડપી ટ્રેનોમાં આગથી સુરક્ષા માટે બહુ સારી વ્યવસ્થા છે. જેને પગલે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગેલી આગને સમયસર ઓલવી દેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ 17 જુલાઈએ આ ઘટનામાં કોઈ યાત્રીને નુકસાન નહોતું થયું.
તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનોમાં યાત્રીઓને સુરક્ષાને કોઈ ચિંતાની જરૂર નથી. આ ટ્રેનોમાં આગથી બચાવ માટે સારી વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં 17 જુલાઈએ લાગેલી આગ માત્ર બેટરી બોક્સ સુધી સીમિત હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું હતું કે બચાવ માટે સારી વ્યવસ્થાને પગલે આ આગને ફેલાતાં પહેલાં જ કાબૂમાં કરવામાં આવી હતી.
રેલવે બોર્ડના અધ્યક્ષ ઇન્દોર અને એની આસપાસ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવા માટે ઇન્દોરમાં હતા. ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનોથી જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં ચાલતી વંદે ભારત ટ્રેનોનાં ભાડાંના દર એકસમાન છે. કુલ મળીને આ ટ્રેનોની 95 ટકાથી વધુ સીટો ભરાયેલી રહે છે.