કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ વડા પ્રધાન મોદી અને બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની વચ્ચે વાતચીતમાં સામેલ થવા માટે તેમને આમંત્રિત નહીં કરવા માટે કેન્દ્રની ટીકા કરી કરી છે. તેમણે કેન્દ્ર અને બંગલાદેશ વચ્ચે જળ વહેંચણીની વાતચીત પર વાંધો ઉઠાવ્યો છે. કોલકાતા અને ઢાકાની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો પર વધુ પ્રકાશ ફેંકતાં CM બેનરજીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વિચારવિમર્શ કર્યા વગર આ પ્રકારની એકતરફી ચર્ચા-વિચારણા ના તો સ્વીકાર્ય છે અને ના ઇચ્છનીય છે.
હાલમાં જ વડા પ્રધાન મોદી અને બંગલાદેશના વડા પ્રધાન શેખ હસીનાની વચ્ચે થયેલી દ્વિપક્ષી બેઠકમાં બંને નેતાઓએ તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ તથા 1996ની ગંગા જળ સંધિના નવીનીકરણ પર ચર્ચા કરી હતી. આ બેઠક પછી પત્રકારોને સંબોધિત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ પર ચર્ચા માટે એક ટેક્નિકલ ટીમ ટૂંક સમયમાં બંગલાદેશની મુલાકાત લેશે.
આ સમજૂતી અનુસાર ભારત તીસ્તા નદીના વહીવટ અને સંરક્ષણ માટે એક મોટું જળાશય અને એનાથી સંબંધિત પાયાના માળખાનું નિર્માણ કાર્ય કરવાવાળું છે. એનાથી મમતા બેનરજી નારાજ છે. તેઓ લાંબા સમયથી જળ વહેંચણીનો વિરોધ કરી રહ્યાં છે અને ફરક્કા બેરાજ પર રાજ્યમાં પૂરનો આરોપ લગાવી રહ્યાં છે.CM મમતાએ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ પ્રકારની સમજૂતીથી પશ્ચિમ બંગાળના લોકો સૌથી વધુ પીડિત થશે. મને માલૂમ પડ્યું છે કે કેન્દ્ર સરકાર બંગલાદેશની ફરક્કા સંધિને નવીનીકરણ કરવાની પ્રક્રિયામાં છે, જે 2026માં પૂરી થઈ રહી છે.