ભારતીય ચામાચિડિયામાં જોવા મળ્યો ‘બેટ કોરોના’ વાઈરસ

નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે સવાલ એ છે કે, છેવટે કોરોના વાઈરસ માણસોમાં કેવી રીતે પહોંચ્યો? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિશ્વભરના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આ શોધમાં ભારતીય વૈજ્ઞાનિકોને એક મોટી ઉપલબ્ધી હાથ લાગી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ(આઈસીએમઆર) પ્રથમ વખત અલગ પ્રકારના કોરોના વાઈરસની ઓળખ કરી છે, આ વાઈરસ ચામાચિડિયામાં જોવા મળતો બેટ કોરોના વાઈરસ છે.

ચામાચિડિયાની 2 પ્રજાતિમાં કોવિડ 19થી અલગ બેટ કોરોના વાઈરસ (Bat Coronavirus) જોવા મળ્યો છે. ICMRના રિસર્ચમાં આ ખુલાસો જોવા મળ્યો છે. મહત્વનું છે કે આ વાઈરસનું સંક્રમણ મનુષ્યોને નહીં થાય.

બેટ કોરોના વાઈરસ વાળી ચામાચિડિયાની આ બે પ્રજાતિઓ દેશના ચાર રાજ્યો કેરળ, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, તમિલનાડુમાં જોવા મળી છે. આ વાઈરસને બીટકોવ પણ કહે છે. આ ચામાચિડિયા Rousettus અને Pteropus જાતિના છે. ચામાચિડિયામાં બેટ કોરોના વાઈરસ મળવાના કારણે સ્ટડીને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છાપવામાં આવ્યો છે.

બેટ કોરોનાને કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી

પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સાયન્ટિસ્ટ ડૉ. પ્રજ્ઞા ટી યાદવે કહ્યું કે આ વાતને સાબિત કરવા માટે કોઈ સાબિતિ કે રિસર્ચ નથી કે બેટ કોરોના વાઈરસ વ્યક્તિમાં બીમારી ફેલાવી શકે છે. રિસર્ચ પેપર લખનારી ડૉ. પ્રજ્ઞા કહે છે કે બેટ કોરોના વાયરસનો કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ચામાચિડિયામાં આ પહેલાં નિપાહ નામનો વાયરસ પણ જોવા મળ્યો હતો.

ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ હોય છે તેમાંથી કેટલાક વ્યક્તિઓ માટે ઘાતક હોય છે, પણ તે ચામાચિડિયાને નુકસાન કરતા નથી. માનવામાં આવે છે કે વુહાનમાં ચામાચિડિયાથી જ કોવિડ 19 વ્યક્તિઓમાં ફેલાયો હતો. સ્ટડીમાં આ વાતનું પણ ધ્યાન રખાયું છે કે ચામાચિડિયાથી માણસોના સંક્રમણના ખતરા પર સતત ધ્યાન રાખવામાં આવે.