મુંબઈઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે અદાણી ગ્રુપ મામલે કહ્યું હતું કે દેશની બેન્કો સક્ષમ અને મજબૂત છે કે એના પર અદાણી જેવા કેસોની અસર નહીં પડે. અદાણી ગ્રુપથી જોડાયેલા એક સવાલના જવાબમાં દાસે કહ્યું હતું કે RBIએ સ્વયં સમીક્ષા કરી હતી અને શુક્રવારે નિવેદન જારી કર્યું હતું. એ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દેશની બેન્કો મજબૂત છે., જેથી બેન્કિંગ સિસ્ટમ પણ મજબૂત છે.
RBIના ગવર્નર અદાણી ગ્રુપનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે આજના સમયમાં ભારતીય બેન્કોનું કદ, એમની ક્ષમતા ઘણી મજબૂત છે. એમની ક્ષમતા એવી છે કે એ આ પ્રકારના મામલાઓથી પ્રભાવિત થવાની નથી.
તેમને એ પૂછવામાં આવ્યું હતું કે શું હાલની સ્થિતિમાં RBI ઘરેલુ બેન્કોને અદાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી લોનોને લઈને કોઈ દિશા-નિર્દેશો જારી કરશે. ધિરાણ નીતિ સમિતિની ઘોષણા પછી દાસે કહ્યું હતું કે બેન્ક લોન આપતાં સમયે સંબંધિત કંપનીની પાયાના અને સંબંધિત પ્રોજેક્ટો માટે રોકડપ્રવાહની સ્થિતિ પર નજર રાખે છે. દાસે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લોનના કેસમાં કંપનીઓની બજાર મૂડીકરણથી કોઈ લેવાદેવા નથી હોતું. સમય જતાં બેન્કોની સમીક્ષા પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.
RBIના ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈને કહ્યું હતું કે ઘરેલુ બેન્કોને અદાણી ગ્રુપને આપેલી લોનો કંઈ બહુ નથી. શેરોના બદલે જે લોન આપી છે, એ બહુ ઓછી છે. RBIએ છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં બેન્કોને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે.