મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ અને કર્મચારીઓ એમના સંગઠનોએ કરેલા એલાન મુજબ આજે અને આવતીકાલ, એમ બે દિવસ માટે હડતાળ પર છે. આને કારણે દેશભરમાં બેન્કિંગ કામકાજને માઠી અસર પહોંચી શકે છે. જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય સામેના વિરોધમાં બેન્કકર્મચારીઓએ બે દિવસ હડતાળ પાડી છે. આ હડતાળનું એલાન યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ દ્વારા કરાયું છે.
હડતાળને કારણે આજે અને આવતીકાલે, બેન્કોની શાખાઓમાં નાણાં ડિપોઝીટ કરવામાં, નાણાં ઉપાડવામાં તથા લોનની મંજૂરી મેળવવા જેવી કામગીરીઓને માઠી અસર પહોંચશે. જોકે એટીએમ ચાલુ રહેશે. 10 લાખથી વધારે બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળમાં જોડાયાં છે.