ચીની કોમ્યુનિકેશન ઉપકરણો પર પ્રતિબંધઃ ચીનનો બહિષ્કાર કરવાનો સંકેત

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે કેન્દ્ર સરકારે ચીની કોમ્યુનિકેશનનાં ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. સરકારે બધા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને ચીની ઉપકરણો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી કંપનીઓને કહેવામાં આવ્યું છે કે એ નવી રીતે શરતો બદલીને ટેન્ડર જારી કરે, જેથી ચીની કંપનીઓ હિસ્સો જ ના લઈ શકે. આમ સરકારે ચીની કોમ્યુનિકેશનનાં ઉપકરણો પર પ્રતિબંધ મૂકીને ચીની માલસામાનનો બહિષ્કાર કરવાનો સંકેત આપ્યા છે?

BSNL અને MTNLને નિર્દેશ

કેન્દ્ર સરકારના સંદેશવ્યવહાર વિભાગે BSNL અને MTNLને નિર્દેશ આપીને 4Gના અમલ માટે કોઈ પણ ચીની ઉપકરણના ઉપયોગ પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહીં, સંદેશવ્યવહાર વિભાગે ચીની ઉપકરણોના 4Gના અમલમાં ઉપયોગમાં થઈ રહેલાં ઉપકરણો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો.

ચાઇનીઝ કંપનીઓ આ ટેન્ડરોમાં હિસ્સો ના લે

સરકારે તમામ સરકારી કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે બધાં કોમ્યુનિકેશનનાં ઉપકરણોની ખરીદી માટે જારી કરવામાં આવેલાં ટેન્ડરોને તરત રદ કરી દેવામાં આવે અને કોમ્યુનિકેશનના ઉપકરણોની ખરીદી માટે નવી શરતોની સાથે નવાં ટેન્ડર જારી કરવામાં આવે. આ ટેન્ડરોના શબ્દોને એવી રીતે લખવામાં આવે, જેથી ચાઇનીઝ કંપનીઓ આ ટેન્ડરોમાં હિસ્સો ના લઈ શકે.
નવાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ

સંદેશવ્યવહાર વિભાગે બધા ખાનગી મોબાઇલ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉપરાંત બધા ખકાનગી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને વર્તમાનમાં ઉપયોગ કરવામાં આવી રહેલાં ચીની ઉપકરણોને તરત જ ઉપયોગમાંથી બહાર કરવા અને નવાં ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.


આ બંને કંપનીઓ ચીન સરકારની હોવાની આશંકા

હુવેઇ અને જેટી-બે ચીની કંપનીઓને લઈને ખાસ કરીને વિશ્વભરમાં ડેટા ચોરી અને સુરક્ષાથી જોડાયેલા મામલાને લઈને સવાલ ઊભા થતા રહ્યા છે. આ બે કંપનીઓના માલિકી હક પર પણ શંકાનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. આ બંને કંપનીઓ ચીન સરકારની હોવાની આશંકા છે.

ચીની કોમ્યુનિકેશન ઉપકરણો પર પ્રતિબંધ લગાવીને રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે સરકાર સૌથી વધુ પ્રાધાન્ય આપી રહી છે, જેથી જનમાનસને સ્પષ્ટ સંકેત કે ચીની સામાનનો બહિષ્કાર કરો.