નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદ દ્વારા દવાઓ માટે ભ્રામક દાવોને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન રામદેવને ફરી એક વાર ફટકાર લગાવી હતી. એ સાથે કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને 30 એપ્રિલે ફરી હાજર થવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રામદેવને આદેશ આપ્યો હતો કે તેઓ મોટી સાઇઝમાં પતંજલિ માફીનામાની જાહેરાત ફરીથી જારી કરે. કોર્ટની ફટકાર દરમ્યાન રામદેવે નવી જાહેરાત છાપવાની વાત કોર્ટમાં કહી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી.
રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે અમે માફીનામું દાખલ કર્યું છે. એના પર જસ્ટિસ હિમા કોહલીએ પૂછ્યું હતું કે એને ગઈ કાલે જ કેમ દાખલ કરવામાં આવ્યું? અમે હવે બંડલોને ના જોઈ શકીએ. એને પહેલાં જ આપવામાં આવવું જોઈતું હતું. જસ્ટિસ અમાનુલ્લાએ સવાલ કર્યો હતો કે એ ક્યાં પ્રકાશિત થઈ છે, એનો જવાબ આપતાં રોહતગીએ કહ્યું હતું કે 67 ન્યૂઝપેપરોમાં આપવામાં આવી હતી. કોહલીએ સવાલ કર્યો હતો કે શું એ તમારી જૂની જાહેરાતના સમાન આકારની હતી, જેના પર રામદેવના વકીલે કહ્યું હતું કે ના, એના પર રૂ. 10 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે અમને એક અરજી મળી છે, જેમાં પતંજલિની વિરુદ્ધ એવી અરજી દાખલ કરવા માટે IMA પર રૂ. 1000 કરોડનો દંડ લગાવવાની માગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે મને અરજીકર્તાની વાત સાંભળવા દો અને પછી એના પર પણ અમે દંડ ફટકારીશું.