નવી દિલ્હીઃ કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે.
શ્રીપાદ નાઈક
નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે જ કરવામાં આવે છે.
નાઈકે પોતાના એ વિવાદાસ્પદ દાવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો કે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદિક સારવારથી કોરોના વાઈરસ (COVID-19)માંથી સાજા થઈ ગયા હતા. નાઈકે ઉમેર્યું કે આયુર્વેદનો પશ્ચિમના દેશોમાં સ્વીકાર કરાતો નથી એટલે પ્રિન્સ ચાર્લ્સ આ વાતનો ઈનકાર કરે છે.
નાઈકે અગાઉ એમ કહ્યું હતું કે બેંગલુરુસ્થિત એક આયુર્વેદ પ્રેક્ટિશનરે ચાર્લ્સની સારવાર કરી હતી.
‘પ્રિન્સ ચાર્લ્સે આ વાતને રદિયો આપ્યો એનું કારણ એ હશે કે જાહેરમાં એવી કબૂલાત કરવાથી કદાચ બીજી અમુક સમસ્યાઓ ઊભી થઈ શકે. એમનો દેશ આયુર્વેદને માનતો નથી,’ એવું નાઈકે પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.
નાઈકે કહ્યું હતું કે, મને 101 ટકા ખાતરી છે કે પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદને કારણે સાજા થયા હતા.
નાઈકે જોકે એ કહ્યું નહોતું કે પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદની ચોક્કસ કઈ દવાથી સાજા થયા હતા કે આયુર્વેદથી એમને કઈ રીતે ફાયદો થયો હતો.
નાઈકે કહ્યું કે કોરોના રોગનો ઈલાજ કરવામાં જ્યારે એલોપથી જેવી અન્ય પદ્ધતિઓ નિષ્ફળ જાય ત્યારે આપણી પાસે આયુર્વેદ દ્વારા એનો ઈલાજ કરવાનો ઉકેલ છે.
નાઈકે એવો આક્ષેપ કર્યો છે કે એક એવી લોબી છે જે ભારતમાં નોવેલ કોરોનાવાઈરસની સારવાર કરતી કોઈ અસરકારક દવાનો ઉપયોગ કરતા રોકે છે. મારા મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો છે કે કોરોના વાઈરસને દૂર કરવા માટે આયુર્વેદ પાસે ઈલાજ છે.