દીપોત્સવ: 5.51 લાખ દીપોથી ઝળહળી ઉઠશે અયોધ્યા

અયોધ્યા: ભગવાન રામનું શહેર અયોધ્યા દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ માટે સજી-ધજીને તૈયાર થઈ ગયું છે. રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. આજે 5 લાખ 51 હજાર દીપ પ્રગટાવવામાં આવશે. આ દરમ્યાન રામ, સીતા અને લક્ષ્મણનું હેલિકોપ્ટર દ્વારા અયોધ્યામાં આગમનને લઈને પ્રતીકાત્મક મંચ તૈયાર કરવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ આરતી સાથે સીતા-રામની આગેવાની કરશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યાગી આદિત્યનાથે રાજ્યનું શાસન સંભાળ્યું ત્યારથી અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે અયોધ્યામાં ત્રણ લાખથી પણ વધારે દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપવામાં આવશે. પ્રશાસને પાંચ લાખ 51 હજાર દીવા પ્રગટાવવાનો દાવો કર્યો છે જેથી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝની ટીમ દ્વારા ‘રામ કી પૌડી’ પર નજર રાખવામાં આવશે.

રામ પરત આવ્યા તે દ્રશ્ય ઉભુ કરવામાં આવશે

દીપોત્સવમાં લંકા વિજય પછી રામ અયોધ્યા પરત આવ્યા તે દ્રશ્ય ઉભું કરવામાં આવશે. આટલું જ નહીં, દીપોત્સવમાં દીપની જ્વાળામાં ભગવાન રામના દર્શન પણ કરાવવામાં આવશે. અવધ વિશ્વવિદ્યાલયના દ્રશ્ય કલા વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ વખતે દીવડાઓને સીધા નહીં પરંતુ ગ્રાફિક્સ દ્વારા ઘાટ પર સજાવવામાં આવશે. આ ગ્રાફિક્સને જોતા જ રામ, સીતા અને હનુમાન સહિત અયોધ્યાના દર્શનીય સ્થળોની આકૃતિ ઉભી કરવામાં આવશે.

5 દેશોના કલાકાર કરશે રામલીલા

દીપોત્સવમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના કલાકાર રામલીલા ભજવશે. તે સાથે જ 22 સાંસ્કૃતિક રથ પણ તૈયાર કરવામાં આવશે. દીપોત્સવના પ્રભારી આશિષ મિશ્રના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમની દરેક તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે.

સીએમ ઉપરાંત આ દરમિયાન મુખ્ય અતિથિના રૂપમાં ફિઝી ગણરાજ્યની ઉપસભાપતિ વીણા ભટનાગર, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ સિંહ પટેલ પણ હાજર રહેશે. યોગી આદિત્યનાથ આ અવસરે અયોધ્યા માટે 226 કરોડની યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.