પાક.પ્રેરિત આતંકીઓના નિયંત્રણમાં છે પીઓકે: આર્મી ચીફ

નવી દિલ્હી: આર્મી ચીફ બિપિન રાવતે  કહ્યું કે, જમ્મુ-કશ્મીરને અશાંત રાખવાની પાકિસ્તાનની મંશા કદી પૂર્ણ નહીં થાય. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના આકા જેટલી પણ તરકીબો અજમાવે પણ ભારત જમ્મુ-કશ્મીરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપીને રાજ્યના વિકાસ માટે પોતાના અંતિમ લક્ષ્યને ચોક્કસ સફળ બનાવશે.

પીઓકે અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, પીઓકેને પાકિસ્તાન સરકાર દ્વારા નહીં, પરંતુ આતંકીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પીઓકે વાસ્તવમાં એક આતંકવાદ અંકુશિત વિસ્તાર છે અથવા આતંકવાદ દ્વારા નિયંત્રિત પાકિસ્તાનનો હિસ્સો છે.  રાવતે જણાવ્યું કે જ્યારે આપણ જમ્મુ-કશ્મીર સંબોધન કરીએ છીએ ત્યારે તે સમગ્ર જમ્મુ-કશ્મીર રાજ્ય હોય છે જેમાં પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનનો સમાવેશ થાય છે. આ કારણથી પીઓકે અને બાલ્ટિસ્તાન એક જ કબ્જાવાળા ક્ષેત્ર બની ચૂક્યા છે. આ વિસ્તારને પશ્ચિમના પડોશી દેશે ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યું છે.

સેના પ્રમુખે જણાવ્યું કે જ્યારે આર્ટિકલ 370ને અસ્થાયી જોગવાઇ સાથે લાગૂ કરવામાં આવ્યું હતું ત્યારે કોઇએ પણ વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ પાકિસ્તાને અચાનક હોબાળો ઉભો કરી દીધો. હકીકતમાં પાકિસ્તાન કશ્મીરમાં શાંતિભંગના પ્રયત્નમાં વ્યસ્ત છે.

રાવતે એમ પણ કહ્યુ કે, કશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે આપણા સૈનિકો દિવસ-રાત કામ કરી રહ્યા. અમને વિશ્વાસ છે કે, આર્ટિકલ 370 દૂર કરાયા બાદ જમ્મુ-કશ્મીરને પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસ કરી શકાશે.