હરિયાણામાં સસ્પેન્સનો અંતઃ અબ કી બાર બીજેપી-જેજેપી સરકાર

ચંડીગઢ – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામમાં અનિર્ણિત ચુકાદો આવ્યા બાદ સમસ્યા ઉકેલી દીધી છે. એમણે જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે સરકારની રચનાની ફોર્મ્યુલા બનાવી છે. જે અનુસાર રાજ્યમાં ભાજપ અને જેજેપીની ભાગીદારીની સરકાર રચાશે.

આ ફોર્મ્યુલા અનુસાર, રાજ્યમાં મુખ્ય પ્રધાન ભાજપના હશે અને નાયબ મુખ્ય પ્રધાન જેજેપીના.

બંને પાર્ટી સરકાર બનાવવાની પ્રક્રિયાને આજે શરૂ કરી દેશે.

અમિત શાહે ગઈ કાલે નવી દિલ્હીમાં એમના સત્તાવાર નિવાસસ્થાને યોજેલી પત્રકાર પરિષદમાં એ સ્પષ્ટ કર્યું નહોતું કે ભાજપના મનોહરલાલ ખટ્ટર જ ફરી મુખ્ય પ્રધાન બનશે અને જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન બનશે. પત્રકાર પરિષદમાં અમિત શાહની સાથે ખટ્ટર અને ચૌટાલા પણ હાજર હતા.

સૂત્રોનું કહેવું છે કે ભાજપ કદાચ ખટ્ટરની જગ્યાએ કોઈ અન્યને મુખ્ય પ્રધાન બનાવશે જ્યારે દુષ્યંત ચૌટાલા એમને બદલે એમના માતા નૈના સિંહ ચૌટાલાને નાયબ મુખ્ય પ્રધાન બનાવે એવી ધારણા છે.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે જનસંઘના સમયથી ચૌધરી દેવીલાલ અને જનસંઘના સંબંધ રહ્યા હતા. એટલે અમે રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપને સાથ આપવા આગળ આવ્યા છીએ. હરિયાણાની જનતાનું ભલું ભાજપ સાથે સરકાર બનાવવામાં જ છે, બીજો કોઈ વિકલ્પ નથી.

90-બેઠકવાળી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 40 સીટ જીતી છે જ્યારે જેજેપીને ફાળે 10 સીટ આવી છે. રાજ્યમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના જોડાણ પાસે ઓછામાં ઓછી 45 સીટ હોવી જોઈએ.

ભાજપને અપક્ષ વિધાનસભ્યોએ પણ સરકાર રચવા માટે ટેકો આપવાની ઓફર કરી હતી, પણ ભાજપે જેજેપીનો સાથ લેવાનું પસંદ કર્યું છે.